T20 ફ્રેન્ચાઈઝી લીગમાં વધતી કમાણીના કારણે કેટલાક ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાંથી વહેલી નિવૃત્તિ લઈ રહ્યા છે. મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના હેડ ઓફ ક્રિકેટ ફ્રેઝર સ્ટીવર્ટે આ ટ્રેન્ડને ચિંતાજનક ગણાવ્યો છે, પરંતુ સાથે જ કહ્યું કે જો કોઈ ખેલાડીને ઓછું ક્રિકેટ રમીને વધુ કમાણી કરવાની તક મળતી હોય તો તેને દોષ આપી શકાય નહીં. તેમણે ટેસ્ટ ક્રિકેટને વધુ આકર્ષક બનાવવા માટે પિંક બોલના પ્રયોગ અને રમતની ગતિ વધારવાની પણ તરફેણ કરી.
ઓછું રમીને વધુ કમાણી, ખેલાડીઓને દોષ કેમ આપવો?
સ્ટીવર્ટના મતે હાલમાં ક્રિકેટનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે અને દુનિયાભરમાં T20 ફ્રેન્ચાઈઝી લીગની સંખ્યા વધી રહી છે. તેના કારણે ખેલાડીઓ સામે પણ કરિયર અને કમાણી વચ્ચે પસંદગી કરવાનો પ્રશ્ન ઊભો થાય છે. તેમણે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટની સરખામણીએ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં ઓછું રમીને વધુ પૈસા કમાવાની તક મળે છે. આવી સ્થિતિમાં ખેલાડી જો ટેસ્ટ ક્રિકેટ વહેલી છોડી દે તો તેને સીધી રીતે દોષી ઠેરવી શકાય નહીં. જોકે MCC ઈચ્છે છે કે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટ રમતા રહે.
